નવી દિલ્હી: વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે જ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથી ગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે. પ્લાન્ટની 5 કિમીની આજુબાજુના વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે ફાયરની 10 વધુ ગાડીઓ પહોંચી છે. આ સાથે 2 ફોમ ટેન્ડર્સની પણ ગાડીઓ છે. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર છે. આંધ્ર પ્રદેશ પોલીસે હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. જેના પર સંપર્ક કરીને લોકો મદદ માંગી શકે છે. આ સાથે જ સતર્કતા રાખવાની અપીલ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આસપાસના ગામડાઓ ખાલી કરી નાખે અને ગભરાય નહીં. 


અત્રે જણાવવાનું કે આ ગેસ લીકેજની ઘટના વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર કંપની પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક થયો. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. ગુરુવારે વહેલી સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે અત્યાર સુધી એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. 


કેવી રીતે થયો ગેસ લીક?
જિલ્લાધિકારી વી. વિનયચંદે જણાવ્યું કે એલજી પોલીમર્સ લિમિટેડમાંથી થયેલો ગેસ લીક એટલો વધુ હતો કે અમને સવારે લગભગ સાડા નવ વાગે સમજમાં આવ્યું કે આખરે શું થયું છે. કારણ કે તે વખતે વિસ્તારમાં લીકેજના કારણે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. 


ફેક્ટરી વિભાગ તરફથી પ્રાપ્ત પ્રાથમિક તપાસ રિપોર્ટના હવાલે તેમણે કહ્યું કે સ્ટાઈરીન ગેસ સામાન્ય રીતે તરલ સ્વરૂપે રહે છે અને તેના સ્ટોરેજનું ટાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની નીચે રહેતા તે સુરક્ષિત રહે છે. પરંતુ રેફ્રિજરેશન યુનિટમાં ગડબડીના કારણે આ રસાયણ ગેસમાં બદલાઈ ગયો. તેમણે ત્યાં પત્રકારોને કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે ટેન્કમાં રાખવામાં આવેલા રસાયણનું તાપમાન 20 ડિગ્રીથી ઉપર જતું રહ્યું અને તે ગેસમાં ફેરવાઈ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube